અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના વયના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. હવે બેંક કર્મચારી અને ખાનગી સ્કૂલ શિક્ષકો સહિતની વ્યક્તિઓ કે જેઓ લોકોના સંપર્કમાં રહેશે તેમને પણ કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 45 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના વેક્સિનેશનના મામલે મોટો નિર્ણય લેવાયો છે. આગામી તા. 1લી એપ્રિલથી વેક્સિનેશનની 60 વર્ષની વયમર્યાદા ઘટાડીને 45 વર્ષની કરાઈ છે એટલે હવે 45 વર્ષના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન અપાશે. કોરોના વકરી રહ્યો હોઈ વેક્સિનેશનની ઝડપ વધારવાના આશયથી વયમર્યાદા ઘટાડી દેવાઈ છે. ઉપરાંત તા. 1 એપ્રિલથી તમામ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને હેલ્થ વર્કર્સને 45 વર્ષની ઉંમરના બાધ વગર વેક્સિનેશન કરાશે. આ ઉપરાંત લોકોના સંપર્કમાં રહેનારા બેન્ક કર્મચારી, પોસ્ટ કર્મચારી, રેલવે કર્મચારી, એરપોર્ટના કર્મચારી, મેડિકલ સ્ટોર્સના સંચાલકો, એલઆઇસીના કર્મચારી અને ખાનગી સ્કૂલના શિક્ષકોને વેક્સિનેશનનો લાભ અપાશે. એટલું જ નહીં વરિષ્ઠ નાગરિકોનું આધારકાર્ડ વિના પણ વેક્સિનેશન કરાશે.
મ્યુનિ. તંત્રનો ટેક્સ વિભાગ, એસ્ટેટ વિભાગ, ઈજનેર વિભાગનો સ્ટાફ પણ લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાથી તેમની પણ ગણતરી ફ્રન્ટલાઇન વોરિયર્સમાં કરાઈ છે. આ મ્યુનિ. કર્મચારીઓ અને અધિકારીઓ પણ વેક્સિનેશન કરાવી શકશે. આ ઉપરાંત ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસવાટ કરતા લોકોનું આધારકાર્ડ વિના પણ વેક્સિનેશન કરાશે.