ગુજરાતમાં કોરોનાએ માથુ ઉચક્યું : આરોગ્ય સચિવે તમામ કલેકટર- મ્યુનિ.કમિશનરોને પત્ર લખી કર્યા સુચનો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર સતત વધારો થઈ રહ્યો છે જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ સૌથી વધારે અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્યવિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે તમામ કલેકટર-મ્યુ.કમિશ્નરને તાકિદનો પત્ર પાઠવી જરૂરી સૂચન કર્યાં છે. રાજ્યમાં સંભવિત ચોથી વેવને અનુલક્ષીને કોવિડ-19ના રોગચાળાના કેસોમાં વધારો ન થાય તે માટેના તથા દર્દીઓને સમયસરની સારવાર મળી રહે તે માટે પગલા લેવા ઉમેર્યું છે.
આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે સૂચન કર્યું છે કે, કોવિડ-19 દરમિયાન હોસ્પિટલોમાં કાર્યરત તમામ વસ્તુઓને અપડેટ કરવી તથા ફંકશનીંગ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. PSA પ્લાન્ટ, લીક્વીટ ઓકસીજન પ્લાન્ટ, O2 કોન્સનટ્રેટર કાર્યરત છે કે કેમ તે સુનિશ્ચિત કરવું જોઈએ. ફાયર સેફટી ઇન્સ્ટ્રુમેન્ટ સેફટી ઓડીટ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું તમામ વિસ્તારમાં તેમજ ઓ.પી.ડી.માં ILI/SARIના કેસોનું સર્વેલન્સ સઘન કરાવવું. હોસ્પિટલમાં આવતા ILI/SARIના સીમ્ટોમેટીક દર્દીઓનું સેમ્પલ લઇ કોવિડ-19 માટે પરિક્ષણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરાવવું જોઈએ. કોવિડ-19ના પોઝીટીવના આવેલ તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવે તે સુનિશ્ચિત કરવું. હોસ્પિટલ કક્ષાએ વેન્ટીલેટર, પી.પી.ઇ. કીટ એન્ટીવાયરલ દવાઓ અને કોવિડ-19 માટે આરોગ્ય મંત્રાલય દિલ્હી તથા આઇસીએમઆર દ્વારા નક્કી થયેલ તમામ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા તેમજ આઇસોલેશન વોર્ડ શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં તા. 10 એપ્રિલ, 2022થી પ્રાઇવેટ કોવિડ વેકસીનેશન સેન્ટર ઉપર 18 થી 59 વર્ષની વય જુથના લાભાર્થી માટે પ્રિકોશન ડોઝની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક એલિજિબલ લાભાર્થીને પ્રિકોશન ડોઝ મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. દરેક તાલુકા કક્ષાએ ઓછામાં ઓછુ 1 પ્રાઇવેટ કોવિડ વેકસીનેશન સેન્ટર કાર્યરત થાય તે મુજબનું આયોજન કરવું જોઈએ.