Site icon Revoi.in

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. નવી માર્ગદર્શિકા 14 ફેબ્રુઆરીથી લાગુ થશે.

નવી માર્ગદર્શિકા અનુસાર, હવે જોખમ ધરાવતા દેશો અને અન્ય દેશો વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. આરોગ્ય મંત્રાલયે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઇનમાંથી વિદેશથી ભારત આવતા લોકોને રાહત આપી છે, પરંતુ તેના બદલે તેમને 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપી છે. સુધારેલી માર્ગદર્શિકા મુજબ, જે મુસાફરો ભારત આવશે તેમણે એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી આપવી પડશે.. જેમાં તેમણે છેલ્લા 14 દિવસના પ્રવાસની વિગતો આપવાની રહેશે.

નવી માર્ગદર્શિકાની મુખ્ય જોગવાઈઓ અનુસાર વિદેશી પ્રવાસીઓએ ઉક્ત ‘એર સુવિધા પોર્ટલ’ પર પ્રવાસની શરૂઆતના 72 કલાક પહેલાની RT-PCRનો નેગેટિવ રિપોર્ટ અથવા સંપૂર્ણ રસીકરણનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. તેમજ મુસાફરોને ટિકિટ આપવાની સાથે સંબંધિત એરલાઇન્સ અને ટ્રાવેલ એજન્સીઓએ તેમને દેશના કોરોના પ્રોટોકોલ અને સંબંધિત નિયમોથી વાકેફ કરવાના રહેશે. ફક્ત એવા મુસાફરોને જ વિમાનમાં ચડવાની મંજૂરી આપવામાં આવશે જેઓ એસિમ્પ્ટોમેટિક હશે. તેઓએ તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવાની રહેશે. હવાઈ મુસાફરી દરમિયાન કરવામાં આવેલી જાહેરાતમાં કોવિડ -19 ને લઈને લેવામાં આવતી સાવચેતીઓ જણાવવી પડશે. પ્રવાસ દરમિયાન કોઈ મુસાફર કોવિડના લક્ષણો દર્શાવે છે અથવા આવા લક્ષણોની ફરિયાદ કરે છે, તો તેણે નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર અલગ થવું પડશે.