કોરોના સામેની લડાઈ બની વધુ તેજ, પોઝિટિવ કેસ શોધી કાઢવા RT-PCR ટેસ્ટ વધારાશે
દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની સામે લડાઈ વધારે તેજ બની છે. હાલ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં રસી ઉપલબ્ધ પણ થઈ જશે. ત્યારે હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટીંગ વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
હાલમાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરતાં આરટી-પીસીઆર ટેસ્ટમાં દર્દીની પોઝીટીવ સ્થિતિ જાણવામાં વધુ સફળતા મળી છે. રેપીડ એન્ટીજન ટેસ્ટમાં નેગેટીવ જાહેર થયેલા લોકો વાસ્તવમાં પોઝીટીવ હોવાનું સાબીત થઇ રહ્યું છે. જેના કારણે કોરોના સંક્રમણની સ્થિતિની વાસ્તવિકતા સામે આવતી નથી.
રેપીડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ ફક્ત સ્વસ્થ હોય અને ઓછામાં ઓછા લક્ષણો ધરાવતા હોય તેવા લોકો પર જ કરવામાં આવશે અને હાલની સંખ્યા કરતાં 30 થી 40 ટકા જેટલા જ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવા માટે સલાહ આપવામાં આવી છે. પરંતુ જેઓને કોરોનાના પ્રારંભીક લક્ષણો વધુ જણાતા હોય અને પાંચ થી સાત દિવસથી તેઓ આ પ્રકારના લક્ષણ ધરાવતા હોય તેઓના આરટી-પીસીઆર ટેસ્ટ જ કરવો જોઈએ.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ઝુંબેશ ચાલી રહી છે. તેમજ ઠેર-ઠેર રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરતા વધારે આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા માટે સૂચના આપી છે.