દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોના હવાથી ફેલાતો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન ભારતમાં હવે પાણીમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી હતી. હવે સમગ્ર દેશમાં નદીઓના સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. આઇસીએમઆર અને ડબલ્યુએચઓની ટીમે અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવાના શરૂ કર્યું છે. આમ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં નદીઓના પાણીના સેમ્પલ લેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં ત્રણ જગ્યાએથી પાણીના લેવાયેલા સેમ્પલમાં એક સેમ્પલ પોઝિટીવ જોવા મળ્યું હતું. જેથી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્રારા સમગ્ર દેશના વિવિધ રાજ્યોની નદીઓના પાણીના સેમ્પલ લેવા તાકીદ કરી છે. જેથી ગુજરાતની સાબરમતી, નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને મહિસાગર જેવી નદીના પાણીના સેમ્પલ લેવામાં આવે તેવી શક્યતા છે. એટલું જ નહીં નર્મદા કેનાલમાં પણ વિવિધ જગ્યાએ પણ સેમ્પલ લેવામાં આવશે. પાણીમાંથી વાયરસ મળી આવ્યાં બાદ તેનાથી મનુષ્યમાં કેટલી અસર થશે, તે વિષય પર રિસર્ચ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાણીમાંથી સેમ્પલ લેવા માટે દેશમાં આઠ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પાણીમાં કોરોના સંક્રમણનો વાયરસ મળી આવે તો તે માનવ શરીરમાં દાખલ થઇ શકે છે કે કેમ એ સંશોધનનો વિષય છે.
માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો.ઉવલા ઘોષાલના જણાવ્યા અનુસાર, કોરોનાની બીજી લહેર પછી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ રિસર્ચ સ્ટડી શરૂ કરી છે. તેના ભાગરૂપે દેશમાંથી અલગ-અલગ શહેરોના સીવેજ સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સીવેજ સેમ્પલ ટેસ્ટિંગના આધારે હવે મોટો સ્ટડી થશે. તેમજ તેનાથી સંક્રમણના ફેલાવવા અંગે પણ સ્ટડી કરવામાં આવશે. યુકેના સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ હાઈડ્રોલોજી મુજબ કોરોનાવાઈરસ મળ કે પછી ગંદા પાણીમાં પણ થોડા સમય સુધી સક્રિય રહી શકે છે. જોકે કેટલા સમય સુધી પાણીમાં સર્વાઈવ કરે છે, તેની હજી સુધી કોઈ પુષ્ટ્રિ થઈ નથી.