Site icon Revoi.in

કોરોના વાયરસઃ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદમાં 1.60 લાખ બાળકોનો કરાયો સર્વે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણી સરકારે આગોતરુ આયોજન કર્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે પ્રભાવિત થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન અમદાવાદ જિલ્લામાં 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1600 જેટલા બાળકોમાં નબળાઈ, કુપોષણ સહિતના રિસ્ક ફેક્ટર જોવા મળ્યાં હતા. આ બાળકો ઉપર મોનિટરિંગ કરવા માટે ખાસ કન્ટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ કલેક્ટરે જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને અમદાવાદ જિલ્લામાં બાળકોનો સૌપ્રથમ સર્વે હાથ ધરાયો છે. જેમાં જિલ્લાના અલગ અલગ ગામોમાં 0 થી 5 વર્ષના 1.60 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. જે પૈકી 1600 બાળકો એવા છે જેમના પર સૌથી વધારે જોખમ ધરાવે છે. તેની પાછળનું કારણ કુપોષણ, કોઇ બિમારી અથવા અન્ય કારણોથી તેમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય કરતા ઓછી હોય તેવા બાળકોની ઓળખ કરીને તેમની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા બાળકોને સંક્રમણની મહત્તમ શક્યતા છે. જેથી આવા બાળકોનું મોનિટરિંગ કરવા માટે કન્ટ્રોલ રૂમમાંથી નજર રખાઇ રહી છે. ત્રીજી લહેરને ધ્યાને રાખીને સોલા સિવિલમાં ખાસ બાળકો માટેનો વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ICU થી માંડી વેન્ટીલેટર સહિત 100 બેડની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લા તંત્ર સતત ત્રીજી લહેર માટેની તૈયારીઓ કરી રહ્યુ છે.