Site icon Revoi.in

કોરોનાને પગલે પાવાગઢ અને ચાંપાનેરમાં નિયંત્રણો મુકાયાં : મોન્યુમેટમાં પ્રવાસીઓને નહીં અપાય પ્રવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અંબાજી સહિતના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. હવે પાટણની ઐતિહાસિક રાણીની વાવમાં આજથી પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ પાવાગઢ અને ચાંપાનેરમાં પણ તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બંને નગરોના મોન્યુમેટમાં પણ મુલાકાતીઓને પ્રવેશ નહીં આપવામાં આવે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. બીજી તરફ સરકાર અને સ્થાનિક તંત્ર સંક્રમણ અટકાવવા માટે કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરી દેવાયો છે. પુરાતત્વ વિભાગ દ્વારા આગામી 15મી મે એટલે કે 30 દિવસ સુધી પ્રવેશ હાલ બંધ કરાયો છે. વર્લ્ડ હેરીટેઝમાં સ્થાન ધરાવતાં પાવાગઢ ચાંપાનેર ખાતે આવેલા 114 મોન્યુમેન્ટ પૈકી 39 મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા છે. દેશભરમાંથી સ્મારકો નિહાળવા મુલાકાતીઓ આવતાં હોય છે.

પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર રાણીની વાવમાં પ્રવેશ બંધ કરાયો છે. કોરોના નું સંક્રમણ વધવાને પગલે પુરાતત્વ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો. જેથી હવે પ્રવાસીઓ રાણીની વાવની પણ મુલાકાત નહીં લઈ શકે. આમ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન અને નાઈટ કરફ્યુ સહિતના પગલા ભરવામાં આવ્યાં છે. બીજી તરફ પીડિયોને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે.