અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાણ બાદ કમુર્તા પૂર્ણ થતાં જ લગ્નગાળાની મોસમ શરૂ થશે. ગત વર્ષે કોરોનાને લીધે લગ્નો યોજી શકાયા નહતા તેવા લગ્નો પણ આ વર્ષે યોજાઈ રહ્યા છે. મહાનગરોમાં પાર્ટીપ્લોટ્સ. લગ્નની વાડીઓ. હોલ, કેટરિંગ સહિત તમામના બુકિંગ થઈ ગયા છે. 23મી અને 24મી જાન્યુઆરીના તો ધૂમ લગ્નો લેવાયા છે. પરંતુ લગ્નગાળાની સીઝનને કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે. જે લોકો ખૂબજ ધામધૂમથી લગ્ન કરવા માગતા હોય તેવા અનેક પરિવારોએ લગ્નો મુલત્વી રાખી દીધા છે.કહેવાય છે કે સુરતમાં સૌથી વધુ લગ્નો મૌકુફ રાખવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં 14 જાન્યુઆરી પછી ડેસ્ટિનેશન વેડિંગ યોજાવાના હતા.પણ શહેરમાં 10થી વધારે ડેસ્ટિનેશન વેડિંગો કેન્સલ થઈ ગયા છે. મોટા લગ્નોમાં 3થી 4 દિવસ સુધી અલગ અલગ ઈવેન્ટનું આયોજન હોય છે અને ધામધૂમથી લગ્નો થતાં હોય છે. સુરતમાં 50 મોટા લગ્નો કેન્સલ થયા છે. સુરત કેટરર્સ એસોના સૂત્રોના કહેવા મુજબ કોરોનાના કેસો વધી રહ્યાં જેને લઈને લોકોમાં અવઢવ છે કે, લગ્નો કરવા કે પછી તેને મૂલત્વી કરી દેવા. અમારા ધ્યાનમાં 60 લગ્નો એવા છે કે, 400 લોકોમાંથી માત્ર 50થી 60 લોકોની હાજરી સાથે લગ્નોનું આયોજન કર્યું છે.
ઈવેન્ટ મેનેજમેન્ટ એસોના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના આવતા મહાનગરોમાં લગ્નો કેન્સલ અથવા તો સ્થગિત થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લાં ત્રણ દિવસમાં ઈવેન્ટ કંપનીઓ પાસે મળીને કુલ 100 જેટલાં લગ્નો રદ થઈ ગયા છે. 150થી વધારે લગ્નો મૂલત્વી થયા છે. હોટલ એસોસિએશનનાઅગ્રણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેને કારણે અમુક લગ્નો કેન્સલ થઈ રહ્યાં છે. કેટલાંક લગ્નો મૌકૂફ થઈ રહ્યા છે. છેલ્લાં 3-4 દિવસથી લોકો બેન્કવેટ હોલ અને કેટરિંગ સહિતની બુકિંગો કેન્સલ કરાવી રહ્યા છે. ઘણા પરિવારોએ લગ્નોમાં મહેમાનો ઓછા કરી નાંખ્યા છે.