અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાને કારણે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણનો તહેવાર પરિવારે પોતપોતાના ધાબા પર જ ઊજવવો પડશે. પરંતુ સગાં-સંબંધી કે મિત્રોને ધાબા પર પતંગ ચગાવવા બોલાવી શકાશે નહીં. ધાબા પર પણ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે ધાબા પર મોટી સંખ્યામાં ભેગાં થતા લોકો પર નિયંત્રણ લાદવા સરકાર વિચારી રહી છે. પોલીસ પણ ધાબા પર વધુ લોકોની ભીડ એકત્ર કરાશે તો પગલા લેશે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે નવા નિયંત્રણ સાથેની નવી ગાઈડ લાઈન બહાર પાડી છે, જેનો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસને માથે છે. જોકે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના તહેવારમાં એક જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો પગંત ચગાવવા ભેગા થતા હોય છે, જેના કારણે કોરોનાના કેસ વધવાની પૂરી શક્યતા રહેલી છે, જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના તમામ પોલીસ અધિકારીઓને તકેદારી રાખવા કડક સૂચના આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણનો તહેવાર કેવી રીતે ઊજવવો તે અંગે હજુ સુધી રાજ્ય સરકારે કોઇ ગાઈડલાઈન બહાર પાડી નથી. જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ અંગે ડીજીપી અને ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરશે. ગત વર્ષે શહેર પોલીસે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે જુદા જુદા વિસ્તારોમાં 50 ડ્રોન ઉડાવ્યા હતા, જેમાં ધાબા પર વધારે સંખ્યામાં ભેગા થયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શહેર પોલીસને 50 ડ્રોનથી સજ્જ રહેવા સૂચના અપાઈ છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ઊંચી બિલ્ડિંગો અને ટાવર મળીને અંદાજે 250 જેટલાં સ્થળે પોલીસ ધાબા પોઈન્ટ બનાવે છે. ચાલુ વર્ષે પણ દરેક વિસ્તારમાં ઓછામાં ઓછા 5 ધાબા પોઈન્ટ બનાવવા એટલે કે શહેરભરમાં 250 ધાબા પોઈન્ટ બનાવવા દરેક અધિકારીને કડક સૂચના આપી છે. (file photo)