અમદાવાદઃ વરસાદની મોસમમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 822 નવા કેસ નોંધાયા છે. જ્યારે 612 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.76 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં એક-એક મળી કુલ 2 દર્દીનાં કોરોનાથી મોત નિપજ્યા હતા. રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના વાયરસ સતત ચિંતા વધારી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં હાલમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોનાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સળંગ બે દિવસ સુધી કોરોનાના 700થી વધુ કેસ નોંધાયા બાદ હવે દૈનિક કેસનો આંકડો 800ને પાર થઈ ગયો છે. શુક્રવારે સાંજે પુરા થતાં 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના 822 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 612 દર્દીઓ સાજા થયા હતા અને બે દર્દીઓના મોત થયા હતા. વધતાં જતા કેસની સાથે રિકવરી રેટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 થયો છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 4000ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4482 પર પહોંચી ગઈ છે. જેમાંથી ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધી 12,25,875 લોકો સારવાર બાદ કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે 10,953 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રસીકરણ પણ ચાલી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 2,14,800 લોકોને વેક્સિન આપવામાં આવી છે.રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં 300થી વધુ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં શુક્રવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2,14,800 લોકોને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના 1741 લોકોને પ્રથમ અને 5928 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 15-17 વર્ષના 312 લોકોને પ્રથમ અને 2139 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 12-14 વર્ષના 3729 લોકોને પ્રથમ ડોઝ અને 3466 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-59 વર્ષના 1,55,705 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી કુલ 12,22,71,449 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.