અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તો એક જ દિવસમાં ક જેટલા કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધતા સરકારે નિયંત્રણો વધુ કડક બનાવ્યા છે. કમૂર્તા ઉતરતા જ 15મી જાન્યુઆરીથી લગ્નસરા શરૂ થઈ રહ્યાં છે અને સરકારે ગાઇડલાઇન બદલી છે. લગ્ન સમારોહમાં હવે 400ને બદલે 150 વ્યક્તિની જ છૂટ રહેશે. આમ રાજ્ય સરકારે 4 દિવસ પહેલા જાહેર કરેલા નિયંત્રણોમાં ફેરફાર કરી પલટી મારી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને તારીખ 22 જાન્યુઆરી 2022ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
આ પહેલા સરકારે 7 જાન્યુઆરીએ ખુલ્લી જગ્યામાં લગ્ન માટે 400 લોકોની છૂટ હોવાની જાહેરાત કરી હતી. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
સરકાર સતત પરિસ્થિતિની સમીક્ષા કરીને આગામી નિર્ણયો લઇ રહી છે. રાજ્યમાં 8 મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર ઉપરાંત આણંદ અને નડિયાદ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણો યથાવત્ત રાખવામાં આવ્યા છે. રાત્રી કર્ફ્યૂમાં કોઇ વધારો કે ઘટાડો કરાયો નથી. તે નિયમ હાલ છે તેમ યથાવત્ત જ રહેશે.