વેરાવળ : રાજ્યમાં એક સમયે કોરોનાના કેસ ખૂબ વધા જતાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ફળફળાદીનો વધુ ઉપયોગ કરતા હતા. તેથી લીલા નાળિયેરના ભાવ સમાને પહોંચ્યા હતા. હવે કોરોનાના કેમમાં ઘટાડો થતા અમૃતફળ સમા બની ચૂકેલા લીલાં નાળિયેરના ભાવ બહુ અલ્પ સમયમાં અર્ધા થઇ ગયા છે. કોરોનાના કેસ સાવ ઘટી જવાને લીધે માગ તો ઘટી જ ગઇ છે એ સાથે મશી નો રોગ, તૌકતે વાવાઝોડાં અને એ વખતે થયેલા વરસાદને લીધે લગભગ જતો રહેતા નાળિયેરનું ઉત્પાદન ધીરે ધીરે વધવા લાગ્યું છે.
સોરઠ પંથકમાં ચોરવાડના ખેડુતોના કહેવા મુજબ નાળિયેરના ભાવ હવે ખાસ્સા ઘટી ગયા છે. અમારા પંથકમાં એક નંબરની ક્વોલિટીના નાળિયેર રિટેઇલમાં રુ. 22-25માં વેચાય છે. નબળા માલ હોય તો રુ. 15-18માં વેચાય છે. બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા રુ. 12થી 18 સુધીના ભાવ ગુણવત્તાનુસાર ચૂકવાય છે.
કોરોના વખતે સ્થિતિ સાવ ઉલટી હતી. વેપારીઓ ખેડૂતોને રુ. 32-40 સુધીના ભાવ ચૂકવતા હતા અને રિટેઇલ બજારમાં નાળિયેર રુ. 50-60માં મળતા હતા. જોકે સૌરાષ્ટ્રના બીજા શહેરોમાં જ્યાં કેસ વધારે હતા અને માગ ઉંચી હતી ત્યાં એક નાળિયેર લોકોએ રુ. 60-70 આપીને પણ ખરીદ્યું હતુ. જોકે હવે દિવસો બદલાઇ ગયા છે. કોરોનાના કેસ ઘટી જવાને લીધે હવે નાળિયેરની માગ અગાઉ કરતા ઘટી ગઇ છે.
દોઢ મહિના પહેલા ભાવ વધ્યા એમાં માગનું તત્વ અસરકારક હતું જ પણ એની સાથે નાળિયેરીના પાકમાં મશી નો રોગ થયો હતો એ કારણે ઉત્પાદન પણ કપાઇ ગયું હતુ. તાજેતરના તૌકતે વાવાઝોડાં અને વરસાદને લીધે નાળિયેરીને થયેલો મશીનો રોગ મટી ગયો છે એટલે ઉત્પાદકોને રાહત મળી છે.
વાવાઝોડાંને લીધે મહુવા અને આસપાસના વિસ્તારોમાં નાળિયેરીના ઝાડને વ્યાપક લગભગ 90 ટકા જેટલું નુક્સાન થયું હોવાનો અંદાજ છે. જોકે જ્યાં સૌથી વધારે નાળિયેર પાકે છે ત્યાં માગરોળ, ચોરવાડ, ગડુ અને વેરાવળ પંથકમાં નહી જેવી નુકસાની થઇ છે, પાક મોટાંભાગે બચી ગયો છે એમ બાગમાલિકોએ જણાવ્યું હતુ.
નાળિયેરની માગ અત્યારે રિટેઇલ માર્કેટમાં ખાસ્સી ઘટી ગઇ છે ને બીજી તરફ હવે વરસાદ શરું થવાથી ઉત્પાદનમાં પણ ધીરે ધીરે વધારો થતો જાય છે એટલે આવતા દિવસોમાં નાળિયેરના ભાવમાં તેજી થવાની શક્યતા દેખાતી નથી.