- કોરોનાને લઈને એઈમ્સના મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરાઈ
- તાત્કાલિક ઘોરણે હોસ્પિટલમાં હાજરીના આદેશ
દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે,કોરોનાના કેસ વધતા કોરોનાની ત્રીજી લહેરના એંધણઆ વર્તાઈ રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે,ત્યારે હવે ડોક્ટરોની તાત્કાલિક જરુર જણાઈ રહી છે જેને લઈને રજાઓ ગાળવા ગયેલા એઈમ્સના ડોક્ટોરોને પરત આવવાના આદેશ આપવામાં આવ્યા છે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ દિલ્હીએ ડૉક્ટરો અને તબીબી કર્મચારીઓને તાત્કાલિક કામ પર પાછા ફરવાનું કહ્યું છે. એઈમ્સ હોસ્પિટલે 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીનું શિયાળુ વેકેશન રદ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ એઈમ્સ એ ફેકલ્ટી સભ્યોને તાત્કાલિક અસરથી ફરજ પર પાછા ફરવા વિનંતી કરી રહી છે. ઓમિક્રોન અને કોરોનાના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય તાત્કાલિક ઘોરણે લેવામાં આવ્યો છે.
આ સમગ્ર બાબતને લઈને એઈમ્સ એ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, “એ સૂચિત કરવામાં આવે છે કે કોવિડ-19 અને ઓમિક્રોન મહામારીને ધ્યાનમાં રાખીને, સક્ષમ અધિકારીએ 5 થી 10 જાન્યુઆરી સુધીના શિયાળાના વેકેશનના બાકીના ભાગને રદ કરવાનો નિર્ણય લીધો છે. તમામ ફેકલ્ટી સભ્યોને કામ પર તાત્કાલિક પરત ફરવા વિનંતી કરવામાં આવે છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આ મામલે મીડિયાને જણાવ્યું હતું કે આ સારા સંકેતો નથી અને દેશે ત્રીજી લહેરને હળવાશથી લેવી જોઈએ નહીં કારણ કે ઓમિક્રોન સાથે ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ જોવા મળી રહ્યો છે.તેની પર હવે નજીકથી નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એઈમ્સના હોસ્પિટલ સ્ટાફને રજાઓમાંથી અચાનક પરત બોલાવવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોરોનાના નવા કેસો ચરમસીમાએ આવી ચૂક્યા છે.જેને જોતા રાત્રી કર્ફ્યૂ સહીત વિકએન્ડ લોકડાઉન પણ લાગૂ કરાઈ ચૂક્યું છે સાથે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરવામાં આવી છે