દિલ્હીઃ કોરોના મહામારી પહેલા બંધ કરવામાં આવેલી નિયમિત ટ્રેન સેવાઓ ફરીથી શરૂ કરવાનો અને સ્ટેશિયલ ટ્રેનો બંધ કરવાનો રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળશે. તેમજ ટ્રેનો તેમના સામાન્ય નામ, નંબર અને ભાડા સાથે દોડશે.
રેલ્વે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, ટ્રેનો નિયમિત નંબરો સાથે અને મુસાફરીના સંબંધિત વર્ગો અને ટ્રેનના પ્રકાર માટે લાગુ ભાડા સાથે ચલાવવામાં આવશે. કોવિડ -19 મહામારી અગાઉ રેલ્વે વિભાગ દ્વારા લગભગ 1,700 જેટલી ટ્રેનોને મેલ અને એક્સપ્રેસ ટ્રેનના સ્વરૂપે દોડાવવામાં આવતી હતી. જેને લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવી હતી.જો કે, અનલોક પ્રક્રિયા દરમિયાન, રેલ્વેએ ઘણી ટ્રેનોની સેવાઓ શરૂ કરી હતી અને તેમને વિશેષ ટ્રેન તરીકે દોડાવવામાં આવતી હતી.
જેથી ભાડામાં પણ 30 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો. રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ કેન્દ્રને સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરવામાં બે-ત્રણ દિવસનો સમય લાગતો હોવાથી, અપગ્રેડેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવો નિર્ણય લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે, પહેલાથી બુક કરવામાં આવેલી ટિકીટો ઉપર વધારોનો કોઈ ચાર્જ લાગશે નહીં અને કોઈ રિફન્ડ પણ આપવામાં આવશે નહીં.