- અત્યાર સુધી લગભગ 10 ન્યાયમૂર્તિ થયાં સંક્રમિત
- બે ન્યાયમૂર્તિઓએ કોરનાને મ્હાત આપી સાજા થયાં
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં હવે પોલીસ અધિકારીઓ અને તબીબોની સાથે વિવિધ કોર્ટના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દેશની સર્વોચ્ચ અદાલતના 10 ન્યાયમૂર્તિઓ સહિત 32 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. આમ અત્યાર સુધીમાં સર્વોચ્ચ અદાલતમાં 400 જેટલા કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટમાં કુલ 32માંથી 11 ન્યાયમૂર્તિ કોરોના સંક્રમિત થયાં છે. આમ બુધવારે ત્રણ ખંડપીઠ સમક્ષ કોર્ટ કાર્યવાહી થઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટના કર્મચારીઓના પોઝિટિવિટી રેટ પણ 30 ટકા જેટલો રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. કોરોનાને કારણે મંગળવારે પણ અનેક ન્યાયમૂર્તિઓએ રજા રાખી હતી. 9 દિવસમાં કોરોના પીડિત ન્યાયમૂર્તિઓની સંખ્યા પણ ડબલ થઈ છે. દરમિયાન બે ન્યાયમૂર્તિઓ સાજા થઈને પરત ફર્યાં છે. જ્યારે આઠ ન્યાય મૂર્તિઓ હજુ રજા ઉપર છે. ગત તા. 9મી જાન્યારીએ સંક્રમિત ન્યાયમૂર્તિઓની સંખ્યા ચાર હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો અને કેસ સરેરાશ લગભગ અઢી લાખ જેટલા દરરોજ નોંધાતા હતા. જો કે, આજે આ આંકડામાં વધારો થયો છે. દેશમાં 24 કલાક દરમિયાન 2.83 લાખ નવા કેસ નોંધાયાં હતા. દરમિયાન 441 દર્દીઓના મોત થયાં હતા.