- IPL માં કોરોનાનો કહેર જારી
- ૩ કર્મચારી કોરોના સંક્રમિત
- બીસીસીઆઈની વધી ચિંતા
મુંબઈઃ આઈપીએલ 2021 ની શરૂઆત પહેલાં કોરોના વાયરસ સંક્રમણના કેસો સતત સામે આવી રહ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફરી એકવાર કેટલાક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. માહિતી મુજબ,વાનખેડેમાં વધુ 3 નવા કેસ નોંધાયા છે,જેમાંથી બે ગ્રાઉન્ડમેન છે અને એક સ્ટેડિયમનો પ્લમ્બર છે.
ગયા અઠવાડિયે આ સ્ટેડિયમના 10 ગ્રાઉન્ડમેન સંક્રમિત જાણવા મળ્યા હતા. જો કે,સોમવારે તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો,ત્યારબાદ સ્ટેડિયમ ખાતે મેચોના આયોજનને લીલી ઝંડી મળી ગઈ હતી.
મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી વધવાને કારણે આઈપીએલ 2021 ના આયોજન પર પણ સંકટ મંડરાય રહ્યું છે.મુંબઈમાં હાજર કેટલાક ખેલાડીઓ ઉપરાંત ગ્રાઉન્ડમેનથી લઈને ટૂર્નામેન્ટના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ સુધીના કેટલાક કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. એવામાં નવા કોરોના કેસોએ બીસીસીઆઈ માટે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં માત્ર 3 દિવસનો સમય છે જ્યારે મુંબઇની પહેલી મેચ 10 એપ્રિલે રમાશે.
રિપોર્ટ મુજબ, સ્ટેડિયમમાં ત્રણ નવા કેસ સામે આવ્યા છે.મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ જણાવ્યું હતું કે,સ્ટેડિયમની તપાસમાં કોવિડ -19 પોઝિટિવના ત્રણ કેસ મળી આવ્યા છે. જેમાં બે ગ્રાઉન્ડમેનનો સમાવેશ થાય છે.” જોકે,આ મામલે એમસીએ અથવા બીસીસીઆઈ તરફથી કોઈ વધુ માહિતી અથવા કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
(દેવાંશી)