Site icon Revoi.in

સ્કૂલોમાં કોરોનાનો પગપેસારોઃ ગાઇડલાઇનના કડક પાલન માટે આદેશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હવે સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી શિક્ષણ વિભાગ પણ ચિંતિત બન્યું છે. દરમિયાન સરકાર દ્વારા સ્કૂલ સંચાલકોને એસઓપીનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું. સમાજના તમામ લોકોએ મંદિર નિર્માણ માટે ફાળો આપ્યો છે. અમદાવાદના શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓએ રૂ. 23 લાખ જેટલી રકમ એકત્ર કરીને મંદિર નિર્માણ માટે આપવામાં આવશે.

સ્કૂલોમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા અંગે તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાત્કાલિક સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કૂલોને એસઓપીના કડક અમલના નિર્દેશ કરવામાં આવ્યાં છે. સ્કૂલોમાં ફાયર એનઓસી મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, બાળકોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે. કોર્પોરેશન સાથે મળીને આ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધો9થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં હતા. સરકાર દ્વારા ધો-9થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઈન એજ્યુકેશનની સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખાનગી ટ્યુશન સંચાલકોને પણ કોરોનાની સરકારી ગાઈડલાઈન અનુસાર ક્લાસીસ શરૂ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યાં હતા. જો કે, ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓમાં ચિંતા ફેલાઈ છે.