અમદાવાદઃ બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને તબીબો પણ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ત્યારે માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે.ત્યારે સૌથી વધુ વડોદરામાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. વડોદરામાં અગાઉ 8 બાળકો સંક્રમિત હતા, ત્યારે વધુ 5 બાળકોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. નવો સ્ટ્રેન બાળકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે: અમદાવાદ કરતા વડોદરામાં વધુ બાળકો કોરોના પોઝિટિવ આવતા અલગ વોર્ડ બનાવાયો છે.
વડોદરા શહેરની એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રવિવારે 8 બાળકો કોરોના પોઝિટિવ હતા. ત્યારબાદ શહેરમાં 24 કલાકમાં વધુ પાંચ બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. સંક્રમિત થયેલા બાળકોની હાલ સારવાર ચાલુ છે. પાંચ પૈકી એક બાળકની હાલત હાલ ગંભીર છે. સયાજી હોસ્પિટલમાં બે નવજાત શિશુ, એક ત્રણ વર્ષનું બાળક અને અન્ય એક બાળક કોરોનાની સારવાર હેઠળ છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે નવું એનકોઝર ઉભું કરાયું છે. આઇસોલેસન ફેસિલિટી ઉભી કરાઈ છે. શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં 25 જેટલા બાળકો પણ કોરોના પોઝિટિવ છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ થયા છે.
આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકો પોઝિટિવ આવ્યા હતા. બાળકોને કોરોના વધતા તબીબોમાં પણ ચિંતા વધી રહી છે. ત્યારે આ વિશે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.