દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકથી દુનિયાને ચિંતામાં મુકી દીધી છે. આ વેરિએન્ટ અત્યાર સુધીમાં લગભગ 23 દેશમાં ફેલાયો છે. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના કોલિફોનિયામાં જે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રિમિત થયો છે તેને કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા હતા.
WHOના ચીફ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસએ કહ્યું હતું કે, 23 દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ સામે આવ્યાં છે. કેસ વધવાની સાથે દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટને વધારે સંક્રામક બતાવવામાં આવી રહ્યું છે. નવેમ્બરમાં પ્રથમ કેસ આફ્રિકામાં આવ્યો હતો. હાલ અમેરિકામાં એક, ઓસ્ટ્રેલિયામાં 7, ઓસ્ટ્રિયામાં 1, બેલ્જીયમમાં1 બોત્સવાનામાં 19, બ્રાઝીલમાં 2, કેનેડામાં 6, ચેક રિપબ્લિકમાં 1, ડેનમાર્કમાં 4, ફ્રાંસમાં 1, જર્મનીમાં 9, હોંગકોંગમાં 4, ઈઝરાઈલમાં 4, ઈટલીમાં 9, જાપાનમાં 2, નેધરલેન્ડમાં 16, નાઈજીરિયામાં 3, નોર્વેમાં 3, પુર્તિગાલમાં 13, સાઉદીઅરબમાં 1, સ્પેનમાં 2, દક્ષિણ આફ્રિકામાં 77, સ્વીડનમાં 2 અને યુકેમાં 22 કેસ સામે આવ્યાં છે.
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટનો હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, નવો વેરિએન્ટ ભારતમાં ના પ્રવેશે તે માટે જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે. જો કે, ભારતમાં કેટલાક શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે.દિલ્હી એરપોર્ટ ઉપર લંડન અને એમ્સ્ટર્ડમથી આવેલા ચાર પ્રવાસીઓ કોરોના સંક્રિમિત મળ્યાં હતા. જીનોમ સીક્વેસિંગ માટે તેમના સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. તેમજ દર્દીઓને એલએનજીપીમાં દાખલ કરવામાં આવ્યાં છે.