અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોનાની હાજરી જોવા મળી છે. ઘીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ અને એડિશનલ મેજિસ્ટ્રેટ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મેટ્રો કોર્ટની બે મહત્વની વ્યક્તિઓ કોરોના સંક્રમિત થતા કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ દવે અને એડિશનલ મેજિસ્ટ્રેટ રાધનપુર વાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. બંને મેજીસ્ટ્રેટને કોરોના સંક્રિમિત થતા કોર્ટની કાર્યવાહી ઉપર ભારે અસર થઈ હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનને કારણે કોર્ટમાં માત્ર અરજન્ટ કામગીરી કરવામાં આવતી હતી. જેથી લગભગ વકીલોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અનલોકમાં ધીમે-ધીમે ધંધા વ્યવસાય શરૂ થયા બાદ એકાદ મહિના અગાઉ જ કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે કોર્ટમાં ફરીથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે, હવે કોર્ટ કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે.