દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ ઉપર કોરોનાની હાજરી જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. એક પર્વતારોહક કોરોના સંક્રમિત થતા તેમને સારવાર અર્થે નેપાળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 377 આરોહકોને એવરેસ્ટ પર ચઢવાની પરમિટ આપવામાં આવી છે
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાને પગલે નેપાળમાં ગત વર્ષે પર્વતારોહણ સિઝનને વ્યાપક અસર થઈ હતી. જો કે, આ વર્ષે પર્વતારોહકોને આકર્ષવા માટે નેપાળે ક્વોરેન્ટાઇન નિયમો હળવા કર્યા છે. જો કે, હવે કોરોના વાયરસ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પણ પહોંચી ગયો છે. નોર્વેનો પર્વતારોહક એવરેસ્ટ પર્વત પર ચઢી રહ્યો હતો. પરંતુ હવે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. પર્વતારોહક એર્લેન્ડ નેસ એવરેસ્ટ બેઝ કેમ્પમાં હાજર હતો, જ્યારે તેને કોરોના ચેપ લાગ્યો હતો. આ પછી, તેને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યો અને કાઠમંડુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
નોર્વેના પ્રસારણકર્તા એનઆરકેએ જણાવ્યું હતું કે નેસના ટુકડીનો ભાગ એવા શેરપાને પણ કોરોના ચેપ લાગ્યો છે. નેસે એનઆરકેને કહ્યું કે હું ઇચ્છું છું કે બાકીના લોકો ચેપગ્રસ્ત ન થાય, કે જેઓ પર્વતની ઉંચાઇ પર હાજર છે. ચેપગ્રસ્ત વ્યક્તિને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે 8000 ફૂટની ઉંચાઈએ બહાર કાઢવું ખૂબ મુશ્કેલ છે. ઉંચાઇ પર શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ છે, અહીં રોગચાળો ફેલાવો દરેક માટે જોખમ હોઈ શકે
નોર્વેના પર્વતારોહક એર્લેન્ડ નેસે સંદેશમાં જણાવ્યું હતું કે તેને કોરોના ચેપ લાગ્યો છે. હાલ હાલત સ્થિર છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.