મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેલીઓ અને સભા ગજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. જો કે, તમના ઈસીજી, સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ તેમનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ હોવાનું જાણવા મળે છે. હાલ મુખ્યમંત્રીની તબિયત સુધારા ઉપર છે પરંતુ તેમને 24 કલાક ઓબ્ઝરવેશનમાં રાખવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણીસભા સંબોધી રહ્યાં હતા. દરમિયાન ચક્કર આવતા તેઓ ઢળી પડ્યાં હતા. જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા. તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હવાઈ માટે અમદાવાદ લાવવામાં આવ્યાં હતા અને તબીબોની સલાહ અનુસાર યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમનો ECG, સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેકના સંપર્કમાં આવ્યાં હતા. જેથી તેમને પણ રિપોર્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ભાજપના અન્ય બે નેતાઓનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. ભાજપના પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.