કોરોનાની બીજી લહેરઃ દેશમાં 800 તબીબોના થયા મોત
દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. જ્યારે લાખો લોકો સંક્રિમત થયાં હતા. કોરોના મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના તબીબો, મેડિકલ સ્ટાફ અને પોલીસ સતત સેવામાં કાર્યરત રહ્યાં હતા. તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. એટલું જ નહીં 800 તબીબોના કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. પહેલી લહેરમાં 748 તબીબો ભોગ બન્યાં હતા. જેની સરખામણીમાં બીજી લહેરમાં વધારે તબીબો સંક્રમિત થયાં હતા.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર દરમિયાન આ રોગનો ચેપ લાગવાથી આશરે 800 ડોક્ટરોના જાન ગુમાયા છે. સૌથી વધારે દિલ્હીમાં 128 તબીબો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત બિહારમાં 115, ઉત્તર પ્રદેશમાં 79 ડોક્ટરોના મોત થયાં છે. મૃતક ડોક્ટરોમાં આઠ ગર્ભવતી મહિલા ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. કોરોના રોગચાળાની પહેલી લહેરે ભારતમાં 748 ડોક્ટરોનો ભોગ લીધો હતો.
હાલ કોરોનાની બીજી લહેર શાંત પડી હોવાથી પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરની શકયતાને પગલ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.