Site icon Revoi.in

કોરોનાનો કાળ સ્વનિર્ભર કોલેજોના સંચાલકોને ફળશેઃ હાઉસફુલના પાટિયા લાગે તો નવાઈ નહીં

Social Share

રાજકોટ: સીબીએસઈ અને જીએસઈબીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ છે. હવે વિદ્યાર્થીઓને એસેસમેન્ટના આધારે પરિણામ અપાશે. એટલે આ વર્ષે મોટાભાગના વિદ્યાર્થીઓનો ફાર્મસી અને એન્જિનિયરિંગની વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ધસારો રહેશે. સ્વનિર્ભર કોલેજો વચ્ચે ગળાકાપ સ્પર્ધા થશે. દર વર્ષે ઈજનેરી અને ફાર્મસીમાં અનેક બેઠકો ખાલી રહેતી હતી. તે તમામ બેઠકો આ વર્ષે ભરાઈ જશે.

ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ ધો.12ની તમામ બોર્ડ પરીક્ષા રદ થતા હવે એક વખત વિદ્યાર્થીઓને એસેસમેન્ટના આધારે પરિણામ મળી ગયા બાદ કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જબરી લાઈન થવાના તથા હજું છેલ્લા પાંચ વર્ષથી જે કોલેજોના વળતા પાણી થયા હતા તેઓના પણ હાઉસફુલના બોર્ડ બનાવવા પડે તેવી શક્યતા છે. કેટલીક કોલેજ તથા યુનિ.એ અત્યાર સુધી ધૂળ ખાતા કલાસ અને બેન્ચની સાફસૂફી કરીને વિદ્યાર્થીઓને આવકારવાની તૈયારી કરી દીધી છે.

ખાસ કરીને ગુજરાતમાં ડિગ્રી એન્જિનીયરીંગ કોલેજો ઉપરાંત બી.એસ.સી., બી.કોમ., બી.એ., બીબીએ કોર્ષમાં પ્રવેશ માટે જબરો ધસારો થવાનો છે. લગભગ માસ પ્રમોશન જેવી સ્થિતિ છે અને ધો.11 સુધીમાં માસ પ્રમોશન મળી જતા શાળા સ્તરે હવે તમામ કલાસ ભરાઈ જાય અને નવા વર્ગ ખોલવા પડે તેવી સ્થિતિ છે અને શિક્ષણ વિભાગે રાતોરાત મંજુરી આપવી પડશે તો છેલ્લા દોઢ વર્ષથી ખાનગી શાળામાં શિક્ષકોને છૂટા કરાયા હતા. તેઓને પણ પરત આમંત્રણ આપી રહ્યા છે.

ગુજરાતમાં માર્કીંગ પદ્ધતિ જે આવે પણ અંદાજે 6.83 લાખ વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ માટે પાત્ર બનશે જેમાં યુનિ. સાથે સંકળાયેલી તમામ કોલેજો ઉપરાંત પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોલેજનો પણ સમાવેશ થાય છે. કોલેજોમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના પ્રવેશથી ભીડ થશે અને તેથી યુનિ. માટે વધુ વર્ગ ખોલવાની મંજુરી માંગવામાં આવશે તો અનેક સેલ્ફ ફાયનાન્સ કોલેજો ફી વધારાની પણ તૈયારી કરી છે.

છેલ્લા દોઢ વર્ષથી તેમાં જે રીતે ફી મુદે દબાણ લાવી રહ્યા હતા તેમાં હવે નવી ‘ફી’ માં ‘વટક’ વાળી લેશે. ગત વર્ષે પરીક્ષામાં પાસ થયા બાદ 83111 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન સ્ટ્રીમ બાદના એડમીશન માટે યોગ્ય ગણાયા હતા.આ વર્ષે માસ પ્રમોશનના કારણે 1.40 લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક હશે. સામાન્ય રીતે એવુ મનાય છે કે જેણે પરીક્ષા માટે આવેદન ભરીને યોગ્ય ગણાયા છે તેઓ તમામને પ્રમોશન અપાશે. જયારે કુલ 6.83 લાખમાંથી બાકીના વિદ્યાર્થીઓ સ્નાતક કે અન્ય પ્રોફેશ્નલ કે નોન પ્રોફેશ્નલ કોર્ષમાં જશે. જેમાં ફાર્મસી અને ડિપ્લોમા એન્જિનીયરીંગ કોલેજમાં જશે.

ગત વર્ષે ગ્રુપ એ માં 33000 વિદ્યાર્થીઓ એન્જિનીયરીંગ માટે લાયક થયા હતા જે આ વર્ષે 56000 હશે જેમાં 5-10 ટકા પણ 45 ટકાથી ઓછા માર્કસ મેળવે તો પણ વાંધા નહી આવે. કુલ 64000 એન્જિનીયરીંગ બેઠકો છે જેમાં ગત વર્ષે 50 ટકાથી વધુ ખાલી હતી. જો કે આ વર્ષે 25-30 ટકા બેઠકો ખાલી તો રહેશે જ. આથી એન્જિનીયરીંગ કોલેજો વચ્ચે વિદ્યાર્થીઓને આકર્ષવા સ્પર્ધા હશે જ. રાજયમાં કુલ 13.1 કોલેજમાંથી 88માં 50 ટકા ઓછી બેઠકો ભરાઈ હતી.

ગુજરાત ટેકનોલોજી યુનિ.ના કુલપતિ  નવીન શેઠ કહે છે કે સ્કુલ સીસ્ટમના માર્કથી મેરીટ તૈયાર કરીને એડમીશન પ્રક્રિયા શરુ કરવી તે મારા મતે યોગ્ય નથી. હું માનું છું કે એન્જિનીયરીંગ, ફાર્મસી માટે પ્રવેશ પરીક્ષા જેવી વ્યવસ્થા ગોઠવી શકાય. અંદાજે 1.50 લાખ વિદ્યાર્થીઓ આ પ્રવેશ માટે પાત્ર હોય તો તેમાંથી ઓનલાઈન કે ઓફલાઈન જેવી પ્રવેશ પરીક્ષા ખાસ કરીને પ્રોફેશનલ કોર્ષ માટે યોજવી જોઈએ અને તેની યોગ્ય ગુણવતાસભર વિદ્યાર્થીઓ જ પ્રવેશ માટે યોગ્ય ગણાશે. જયારે નોન પ્રોફેશ્નલ કોર્ષ જેમકે સ્નાતક ડીગ્રી બીએ, બીકોમ માટે ગત વર્ષે 2.54 લાખ વિદ્યાર્થીઓ હતા. જો કે તેમાં પણ ગત વર્ષે બેઠકો ખાલી હતી.

ગુજરાત યુનિ.માં 13000 બેઠકોમાંથી 6000 બેઠકો ખાલી રહી હતી. બીકોમમાં પ્રવેશ માટે 6 રાઉન્ડ યોજવાની જરૂર પડી હતી અને હવે તો એસેસમેન્ટ આધારીત મેરીટ હશે તેથી હવે વધુ બેઠકોની વ્યવસ્થા કરવી પડશે અથવા શીફટ પણ થઈ શકે છે.સૌથી મોટો પ્રશ્ન કોવિડ હજુ ચાલુ છે તેવી સ્થાનિક કક્ષાએ એડમીશન વધુ પસંદ થવાના જેથી ગ્રામ્ય વિસ્તાર કે નાના શહેરોની કોલેજોમાં ધસારો થશે.