Site icon Revoi.in

ટૂંક સમયમાં આવશે કોરોનાની યુનિવર્સલ વેક્સિન, તમામ વેરિયેન્ટ પર કરશે કામ

Social Share

દિલ્હી : કોરોના વાયરસના નવા વેરિયેન્ટે દુનિયાને ચિંતાતુર બનાવ્યો છે. કેટલાક વેરિયેન્ટ એવા પણ છે કે, જેના પર વેક્સિન સંપૂર્ણપણે અસરકારક નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ હવે ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન પણ સામે આવશે.વૈજ્ઞાનિકો હાલમાં યુનિવર્સલ વેક્સિન પર કામ કરી રહ્યા છે, જે ફક્ત કોવિડ -19 સામે જ કામ નહીં કરે, પરંતુ તેના ખતરનાક વેરિયેન્ટને હરાવી દેશે. જો કે, હજી સુધી આ સવાલનો જવાબ કોઈ જાણતું નથી કે, કયો વાયરસ ભવિષ્યમાં મહામારીનું કારણ બનશે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના સંશોધનકારોનું માનવું છે કે, 2003 માં ફેલાયેલા સાર્સ વાયરસ અને કોવિડ -19 વૈશ્વિક મહામારીને કારણે કોરોના વાયરસ હજી પણ એક ખતરો બનેલો છે. ભવિષ્યના આવનાર કોરોના વાયરસ મહામારીથી બચવા, વૈજ્ઞાનિકોની ટીમે એક વેક્સિન વિકસાવી છે, જે વર્તમાન સાર્સ-સીઓવી -2 અને કોરોના વાયરસના તે સમૂહથી બચાવે છે,જે જાનવરો થી માણસમાં આવે છે.આ અભ્યાસ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

આ વેક્સિનનું ટ્રાયલ ઉંદરો પર કરવામાં આવ્યું છે.વેક્સિને અનેક એન્ટિબોડીઝ બનાવી છે જે મલ્ટીપલ સ્પાઇક પ્રોટીનનો પ્રતિકાર કરી શકે છે. આમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ વેરિયેન્ટ B.1.351 પણ સામેલ છે. જે ઉંદર પર વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સાર્સ-સીઓવી અને સંબંધિત કોરોનાવાયરસથી સંક્રમિત હતો. આ વેક્સિને ઉંદરને સંક્રમણ અને ફેફસાને ખરાબ થવાથી બચાવ્યું છે. હવે આગળ જતા વેક્સિનનું ટ્રાયલ માણસ પર કરવામાં આવશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેને શોધમાં જે કઈ મળ્યું છે તે ભવિષ્યની આશાની કિરણ આપી રહ્યું છે. જો રસી સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ હોય, તો કોરોના વાયરસની ત્રીજી મહામારી આવે તે પહેલાં જ તેને અટકાવી શકાય છે.