કોરોનાકાળમાં ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખનાર તબીબ સામે થશે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. ઓક્સિજન અને ઈન્જેક્શન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કેટલાક કાળા બજારીયાઓ પરિચીત તબીબની મદદથી ઈન્જેકશન મેળવીને ઉંચી કિંમતે વેચતા હોવાનું સામે આવ્યું છે. જેથી કાળા બજાર અટકાવવા માટે સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. જો કોઈ પણ તબીબ ખોટી રીતે ઈન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન લખી આપશે તો તેમની સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના કાળમાં શ્વાસની ગંભીર તકલીફ સાથે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. આવા દર્દીઓને રેમડેસિવીર ઈન્જકેશન તબીબોની દેખરેખ હેઠળ આપવાનું હોય છે. પરંતુ કેટલાક સંગ્રહાખોરો તેમના ફેમિલી ફિઝીશીયન, તબીબો પાસે ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રીપ્શન લખાવી લે છે અને તેના આધારે રેમડેસિવીર ઈન્જેકશન જરૂર ના હોય તો પણ ખરીદી કરતા હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ રેમડેસિવીર ઈન્જેશનની અછત સર્જાતા, જિલ્લા આરોગ્ય વિભાગે, કોરોનાના દાખલ થયેલા દર્દીઓના આંકડાકીય વિગતોના આધારે કેટલીક તપાસ કરતા જેમને જરૂર ના હોય તેવા લોકો પણ રેમડેસિવીર ઈન્જેકશન મેળવતા હોવાની વિગતો સામે આવી હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ, ઊડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ખોટી રીતે રેમડેસિવીર ઈન્જેકશનનું પ્રિસ્ક્રીપ્શન લખી આપનારા ડોકટર સામે પોલીસ કરીને ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે.
દર્દીઓને રજા અપાઈ ગઈ હોવા છતાં પાલનપુરની હોસ્પિટલના ડૉક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવ્યા હતા. જે મામલે આરોગ્ય અધિકારીએ પોતીની ટીમ સાથે હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 6 રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા અંગે ડોકટરની ગેરરીતિ સામે આવી હતી. ડૉકટરે આ મામલે પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું કે દર્દીઓની સારવાર અહીં થતી હતી. તમને દર્દીઓના ડોક્યુમેન્ટને આધારે ઇન્જેક્શન મેળવી તેમની સારવાર કરી હતી.