- દેશમાં વેક્સિનેશનની ગતિ જોરદાર
- 19 દિવસમાં 1 કરોડ લોકોને મળ્યો પ્રિકોશન ડોઝ
- દેશમાં હજુ પણ કોરોના યથાવત
દિલ્હી: દેશમાં કોરોનાની પ્રથમ લહેર પછી સરકાર દ્વારા કોરોના સામે એવી રીતે બાયો ચડાવવામાં આવી છે કે સરકાર કોરોના સામે સખ્ત લડાઈ આપી રહી છે. દેશમાં ભલે કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા હોય પણ સરકાર દ્વારા થોડી પણ ઢીલ મુકવામાં આવી નથી અને લોકોને રોજ મોટી સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.
આવામાં દેશમાં વધારે એક રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યુ કે, માત્ર 19 દિવસમાં કોરોના વેક્સિનના 1 કરોડથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 49,69,805 ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ રસીનો આંકડો 164.35 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અન્ય ગંભીર રોગોથી પીડાતા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોવિડ રસીના 1,03,04,847 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
મંત્રાલયનુ કહેવું છે કે 15-18 વર્ષની વયના 44281254 કિશોરોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ દેશને અભિનંદન પાઠવ્યા છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે ભારતે પાત્રતા ધરાવતી વસ્તીના 95 ટકાથી વધુ લોકોને કોવિડ-19નો પ્રથમ ડોઝ આપવાનો રેકોર્ડ હાંસલ કર્યો છે.