કોરોનાવાયરસ: કેનેડાએ ભારતથી આવનારી ફ્લાઈટ પર મુક્યો 30 દિવસનો પ્રતિબંધ
- કેનેડાએ ભારતથી સાથે આવતી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ
- આગામી 30 દિવસ સુધી ભારતથી કોઈ ફ્લાઈટ કેનેડા જશે નહી
- ભણવા જતા વિદ્યાર્થીઓને થશે અસર
દિલ્લી: ભારતમાં બેફામ રીતે વધતા કોરોનાવાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારત સાથે આગામી 30 દિવસ સુધી ફ્લાઈટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનથી આવનારા લોકોમાં કોરોનાવાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તેથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી જાણકારી અનુસાર કેનેડાની સરકાર દ્વારા અત્યારે અસ્થાયીરૂપે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આગામી નિર્ણય કેનેડાને પ્રકોપને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. કેનેડાની સરકાર દ્વારા કાર્ગો વિમાન પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. જેથી વેક્સિન અને પીપીઈ કીટનો સપ્લાય યથાવત રહે.
કેનેડાના સ્વાસ્થય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે, બહારથી આવનારા લોકોમાં 1.8 ટકા લોકો કોરોનાવાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. બહાર આવનારા જેટલા લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે તેમાં 20 ટકા સંક્રમિત લોકો ભારત તથા પાકિસ્તાનથી આવેલા છે.
જો કે કેનેડાની સંસદે થોડા દિવસો પહેલા કેનેડાની સરકાર પાસે માંગ પણ કરી હતી કે, કોરોના હોટસ્પોટ બનેલા દેશોથી આવનારી ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવે જેમાં ભારત અને બ્રાઝિલ પણ સામેલ છે.