- કર્ણાટકમાં ફિલ્ડ હોસ્પિટલનું લોન્ચિંગ કરાયું
- કોરોનાથી સાવચેત રહેવા પ્રજાને કરી અપીલ
- કોરોના હજુ આપણી વચ્ચે હોવાનો કર્યો દાવો
દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે પરંતુ હજુ સંપૂર્ણરીતે નાબુદ નહીં થયો હોવાનું જણાવીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી. તેમજ ભારત અને દેશની જનતાની કોરોના સામેની લડાઈ ચાલુ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
કર્ણાટકમાં ફિલ્ડ હોસ્પિટલનું કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસ હજુ આપણી વચ્ચે છે જેથી તેની સામે આપણી લડાઈ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કોરોનાવાયરસ ચોક્કસપણે નિયંત્રણમાં છે, પરંતુ તે સમાપ્ત થયું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારે દૂરના વિસ્તારોમાં સમર્પિત ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવાનો નિર્ણય કર્યો છે, જે દર્શાવે છે કે તે ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવા માટે કેવી રીતે તૈયાર છે. કોવિડ-19 રસીની પ્રથમ માત્રા રાજ્યની 83 ટકા યોગ્ય વસ્તીને આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ પેનલે કહ્યું છે કે જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે તે 97 ટકા સુરક્ષિત બની ગયા છે. માંડવિયાએ કહ્યું કે કર્ણાટક જેવા મોટા રાજ્યએ અનુકરણીય રીતે કોરોના સામેની લડાઈ હાથ ધરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કર્ણાટક સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવ્યાં છે.