કોરોનાવાયરસ: ગ્રામીણ વિસ્તારોમાં લોકો કરી રહ્યા છે સ્વૈચ્છીક લોકડાઉન
- ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની દસ્તક
- સંક્રમણ અટકાવવા ગ્રામીણો આવ્યાં આગળ
- અનેક ગામમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક નિયંત્રણો પણ મુકવામાં આવ્યાં છે. રાજ્યના શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાએ દસ્તક આપી છે અને ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે કેટલાક ગ્રામજનો સ્વૈચ્છીક લોકડાઉન તથા સ્વયંભૂ તરફ આગળ વધી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના રાજપીપળામાં કોરોનાના કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે વેપારીઓ આગળ આવ્યાં છે. તેમજ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરીને સાંજના છથી સવારના છ કલાક સુધી તમામ વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્મય લીધો હોવાનું જાણવા મળે છે. આવી જ રીતે મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં કોરોના મહામારીને પગલે 15 દિવસની સ્વૈચ્છીક આંશિક લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે હાલાકી ના ભોગવવી પડે અને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આણંદ જિલ્લાના માલતાજ અને પણસોરા ગામમાં પણ તા. 15મી એપ્રિલ સુધી સ્વૈચ્છીક બંધનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત તા. 13મી એપ્રિલ સુધી આણંદના ચાંગા ગામમાં તા. 13 મી એપ્રિલ સુધી આશિંક લોકડાઉન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીના બગથાલા ગામ અને પાનોલી ગામમાં લોકોએ સ્વયંભૂ બંધ જાહેર કર્યું હતું. આમ હવે ગ્રામીણ વિસ્તારમાં કોરોનાને અટકાવવા માટે સ્થાનિક આગેવાનો આગળ આવ્યાં છે.