અમદાવાદઃ આવતીકાલે સવારે છ કોર્પોરેશનમાં મતદાન યોજાશે. મતદાનને લઈને ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે મતદાનના એક કલાક પહેલા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની હાજરીમાં મોકપોલ યોજવામાં આવશે. તેમજ સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવી રહ્યાં છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM ને ચેક કરી ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં આવતીકાલે 1.14 કરોડ મતદારો મતદાન કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જો કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે. ચૂંટણીપંચ દ્વારા આવતીકાલે યોજાનારા મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છ કોર્પોરેશનના તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મોકલવાની કામગીરી કરવામાં આવી છે. EVM મશીનને ચેક કરી અને એને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આવતી કાલ સવારે મોક કોલ બાદ 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે મતદાન પૂરું થયા બાદ EVM સ્ટ્રોંગ રૂમમાં મૂકવામા આવશે.
મતદાનના પહેલાના એક કલાક અગાઉ ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોની હાજરીમાં સવારે 6:00 વાગ્યે મોકપોલ યોજવામાં આવશે અને ઈવીએમ બરાબર ચાલે છે તેની ખાતરી રાજકીય પક્ષોને કરાવવામાં આવશે. બીજી તરફ છ કોર્પોરેશનમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.