કોર્પોરેશન ચૂંટણીઃ કોરોના પીડિત દર્દી પણ કરી શકશે મતદાન !
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા માટે તા. 21મી ફેબ્રુઆરીના રોજ કોરોના ગાઈડલાઈન અનુસાર મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોના પીડિત દર્દી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા પ્રયાસ કરવામાં આવ્યાં છે. મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોવિડ-19નો દર્દી પીપીઈ કીટ પહેરીને મતદાન કરી શકશે. જો કે, દર્દીએ તબીબનું પ્રમાણપત્ર આપવું પડશે.
ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર મતદાનના દિવસે સાંજે 5 થી 6 વાગ્યા વચ્ચે કોરોના પોઝીટીવ દર્દી મતદાન કરી શકશે. કોરોના પોઝીટીવ દર્દીઓને મતદાન કરવા માટે મતદાનનાં આગલા દિવસે જે તે વોર્ડનાં સંબંધીત આર.ઓ.પાસે નામ નોંધણી કરાવવી પડશે. કોરોના પોઝીટીવ દર્દીનાં પરિવારજન દ્વારા કોરોના પોઝીટીવ રીપોર્ટ અંગેનું પ્રમાણપત્ર અને કોઈપણ એમ.બી.બી.એસ.ડોકટરનું પ્રમાણપત્ર આર.ઓને આપવાનું રહેશે. કોરોના પોઝીટીવ દર્દીની મતદાન કરી શકે તેવી સ્થિતિ છે અને તે મતદાન સરળતાથી કરી શકે છે. આ પ્રકારનો તબીબી અભિપ્રાય અને કોરોના પોઝીટીવનો રીપોર્ટ દર્દીના પરિવારજનો દ્વારા જે તે વોર્ડનાં આર.ઓ.ને અપાયા બાદ ચૂંટણી અધિકારી દર્દીને મતદાન કરવા દેવાની મંજુરી આપશે. આ ઉપરાંત કોરોના અંતર્ગત હોમ આઈસોલેશનમાં હોય તેણે પણ મતદાન માટે આર.ઓ ને લેખીતમાં જાણ કરવી પડશે અને પીપીઈ કીટ પહેરીને મતદાન કરવાનું રહેશે.