અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત છ કોર્પોરેશનમાં સવારથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. જ્યારે બીમાર વૃદ્ધ ઓક્સિજન સાથે મતદાન કરવા માટે એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર પહોંચ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય દીલીપભાઈ જોષી બીમાર છે. તેમ છતા કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ચુક્યાં ન હતા. તેઓ ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સમાં મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યાં હતા. બીમાર દીલીપભાઈનો જુસ્સો અન્ય મતદારો ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ સવારે મતદાન કર્યું હતું.
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં મનપાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને રાજ્ય પ્રધાન યોગેશ પટેલે પણ મતદાન કર્યું હતું. તેમજ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.