કોર્પોરેશન ચૂંટણીઃ સુરતમાં સોસાયટીના રહીશો ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનમાં સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેમજ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા ઉમટી પડ્યાં હતા. બીજી તરફ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે સુરતમાં એક સોસાયટીના રહીશો ઢોલ-નગારા સાથે મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના રહીશો દર વખતે મતદાન કરવા માટે એક સાથે ઢોલ-નગારા સાથે જાય છે. આજે પણ સોસાયટીના રહીશો ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે મતદાન મથક પહોંચતા લોકો ચોંકી ઉઠ્યાં હતા. સોસાયટીના રહીશોએ ચુંટણીમાં તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
દરમિયાન કોર્પોરેશનની ચૂંટણીમાં બપોર સુધી મતદારો નિરાશ જોવા મળ્યાં હતા. 2 કલાક સુધીમાં 23 ટકા જેટલું જ મતદાન થયું હોવાથી મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે નેતાઓ અને કાર્યકરોને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તાકીદ કરી હતી.