Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ કોરોનાની સારવાર લઈ રહેલા સીએમ વિજય રૂપાણી પણ કરશે મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલે અમદાવાદ, રાજકોટ સહિત છ મહાનગરપાલિકામાં મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોર્પોરેસનની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજ્યના પ્રધાનો અને રાજકીય આગેવાનો પણ મતદાન કરશે. એટલું જ નહીં કોરોનાની સારવાર લઈ રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ચૂંટણીપંચની કોરોના ગાઈડલાઈન અનુસાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના સ્ટાર પ્રચારકો સાથે ચૂંટણીસભાઓ ગજવી હતી. જો કે, વડોદરામાં એક ચૂંટણીસભા દરમિયાન તેમની તબિયત લથડતા તેમને હવાઈ માર્ગે તાત્કાલિક અમદાવાદ લાવવામાં આવ્યાં હતા. તેમજ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. હોસ્પિટલમાં તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં મુખ્યમંત્રી કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તેમની કોરોના દર્દી તરીકે સારવાર શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ કોર્પોરેશનના વોર્ડ 10ના મતદાર છે. આવતીકાલે ચૂંટણી હોવાથી મુખ્યમંત્રી પણ મતદાન કરવા જવાના હોવાનું જાણવા મળે છે. આજે તેમનો RTPCR ટેસ્ટ થશે. ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને રજા આપવામાં આવશે. જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેમને એમ્બ્યુલન્સમાં મતદાન માટે રાજકોટ લઇ જવાશે અને તેઓ પીપીઈ કીટ પહેરીને મતાધિકારનો ઉપયોગ કરશે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિય સુધારા ઉપર છે. અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાંથી આજે સાંજે તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોના પીડિત મતદારો પણ મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.