Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ અમિત શાહ અને વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કરશે મતદાન

Social Share

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના મહાનુભાવો મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર મતદાન કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં આવેલા મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કરવા જશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર 10માં મતદાન કરશે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં વોર્ડ નંબર 20માં સવારે 9 કલાકે મતદાન કરશે. રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં માધવ સ્કૂલમાં મતદાન કરવા જશે. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અમદાવાદના આંબાવાડી ખાતે સી.એન વિદ્યાલયમાં મતદાન કરશે. પૂર્વ મેયર બીજલબેન પટેલ અમદાવાદના પાલડી ખાતે મતદાન કરશે.

અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સુખરામનગરમાં, ગ્યાસુદિન શેખ શાહપુરમાં, ઈમરાન ખેડાવાલા જમાલપુરમાં, દીપક બાબરિયા પાલડીમાં, રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિક આંબાવાડી વિસ્તારમાં, લાખાભાઈ ભરવાડ ગ્યાસપુર પ્રાથમિક શાળામાં, કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશી અમદાવાદના બોડકદેવમાં આવેલા મતદાન મથકમાં મતદાન કરશે. ​​​​​​આ ઉપરાંત કોર્પોરેશનના વિપક્ષના નેતા કમળાબેન ચાવડા બહેરામપુરામાં મતદાન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મતદાન યોજાશે. જેના માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે એક કરોડથી વધારે મતદારો મતદાન કરશે. દર ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરે છે. જો કે, આ વખતે તોએ મતદાન કરવા અમદાવાદ આવે તેવી શકયતાઓ નહીંવત છે.