Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદમાં 771 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મર્યાદામાં અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચૂંટણીજંગમાં 2299 જેટલા ઉમેદવારો મેદાનમાં હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 4479 જેટલા ફોર્મ ભરાયાં હતા. જેમાંથી ચકાસણી દરમિયાન 2098 જેટલા ફોર્મ રદ થયા હતા. જ્યારે કોંગ્રેસના 5 સહિત 90 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં 771 ઉમેદાવોરો વચ્ચે હવે ચૂંટણી જંગ જામશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 771, વડોદરામાં 287, સુરતમાં 484, જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે. દરમિયાન હવે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવશે. અમદાવાદમાં કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણીમાં 771 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના 191 ઉમેદવારો અને કોંગ્રેસના 188 ઉમેદવાર મેદાનમાં છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 155 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં 86 અને અન્ય પક્ષોના 56 ઉમેદવારો મેદાનમાં છે. કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે. જેથી ખરાખરીનો જંગ જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. લગભગ આજે બંને પાર્ટીઓ પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરે તેવી શકયતા છે. બીજી તરફ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ બંને રાજકીય પાર્ટીઓમાં આતંરીક અસંતોષ સામે આવ્યો હતો. જેથી ડેમેજ કન્ટ્રોલની કવાયત વધારે તેજ બનાવવામાં આવી છે.