Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ  21 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અને SRPની 44 કંપનીઓ રહેશે તૈનાત

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીના મતદાનને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજી તરફ મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ અને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 21 હજારથી વધારે પોલીસ ફોર્સ, હોમગાર્ડ, એસઆરપીની 44 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનની બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ચૂંટણીઓ માટે 21770 પોલીસ કર્મચારી, 15530 હોમગાર્ડસ તથા જીઆરડી જવાનો, એસઆરપીની 30 સ્થાનિક કંપનીઓ અને બહારથી મગાવાયેલી 14 કંપનીઓ તેમજ 14 હજાર લોકરક્ષકોનો બંદોબસ્ત ખડકી દેવાયો છે અને આ તમામ સુરક્ષા સ્ટાફને મતદાનના દિવસે સ્ટેન્ડ-ટુના આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા ચૂંટણીમાં દારૂની રેલમછેલ અને નાણાની હેરાફેરી અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 8 કરોડનો વિદેશી દારૂ અને 15 લાખનો દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 5.88 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. કોર્પોરેશન ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 47 હજાર જેટલા અસામાજીક તત્વોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત પરવાનાવાળા 48 હજાર જેટલા હથિયારો પોલીસ દ્વારા જમા લેવામાં આવ્યાં છે.