અમદાવાદઃ છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાય રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં ભાજપના ઉમેદવારો હરિફ કોંગ્રેસ અને અન્યની આગળ ચાલી રહ્યાં છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે. દરમિયાન અમદાવાદના ભાજપ કાર્યાલય ખાતે વિજ્યોત્સવની તૈયારીઓ શરૂ કરવમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છ કોર્પોરેશનની ચૂંટણીની હાલ મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાતો દેખાઈ રહ્યો છે. રાજકોટ સહિતના શહેરોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અનેક વોર્ડમાં ભાજપની પેનલો જીતી છે. દરમિયાન અમદાવાદમાં ભાજપ દ્વારા સાંજે વિજ્યોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પાસે મંડપ બાંધવામાં આવ્યો છે. વિજ્યોત્સવમાં સાંજે અમદાવાદ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. આ વિજયોત્સ્વમાં સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાનેથી સભા સંબોધવામાં આવી શકે છે. જેમાં ભાજપની વિજયનો ઉત્સવ પણ કાર્યકર્તાઓ દ્વારા મનાવવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છ કોર્પોરેશનમાં ઓછુ મતદાન થતા રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો ચિંતામાં મુકાયાં હતા. આજે સવારે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ હોવાથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો હતો.