Site icon Revoi.in

અમદાવાદમાં મચ્છરોના ઉપદ્રવ સામે મ્યુનિ.ની ઝૂંબેશઃ 282 એકમો પાસેથી દંડ વસુલાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદી સીઝન અને વાદળછાંયુ વાતાવરણ હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આથી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 368 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 282 જેટલી સાઈટને નોટિસ ફટકારી 6 લાખ 09 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.

શહેરમાં બિલ્ડિંગની સાઈટ્સ પર પાણી ભરાયેલા રહેતા હોય છે તેમજ હોટલો અને ખાણી-પાણીના સ્થળોએ પણ પુરતી સ્વચ્છતા ન રખાતી હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. આથી મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા ઝૂંબેસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અલગ અલગ 7 ઝોનમાં આ કાર્યવાહી હાથ ધરવમાં આવી હતી. ગોતામાં આવેલી રેનિસનસ હોટલ, થલતેજ ગાલા એમ્પારીયા, રામોલની વિન્ડસર.લિ કંપની, સરખેજની ટોયેટા મોટર્સ, સાબરમતીના અક્ષર 11, કુબેરનગરની રવિ બેકરી સહિતની જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. હેલ્થ વિભાગ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પણ અનેક વખત સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ જ પાણી ભરી રાખવાનું કહ્યું છે. પાણીની ટાંકીના ઢાંકણ ફિટ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આમ છતાં પણ અનેક એકમો બેદરકારી દાખવે છે, જેથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારી ફેલાઈ છે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા ખાલી પડેલા કારખાના, ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વરસાદી પાણીના નિકાલ માટેની સુચના આપવામાં આવી હતી.