રાજકોટમાં બાકી મિલ્કતવેરા ધારકો સામે મનપાની કાર્યવાહીઃ 30 મિલ્કત કરાઈ સીલ
અમદાવાદઃ રાજકોટમાં મિલ્કતવેરાની રિકવરી માટે કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમજ 30 જેટલી મિલ્કતને સીલ કરવામાં આવી હતી અને રૂ. 43 લાખથી વધુની રિકવરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કત વેરા મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવતા મિલ્કત ધારકોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરા મુદ્દે સીલીંગ અને રિકવરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં 8 મિલ્કતો સામે બાકી માંગણી મુદ્દે સીલીગની કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ. 12 લાખની રિકવરી કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનમાં 13 મિલ્કતોને સીલ કરાઈ હતી અને રૂ. 24.77 લાખની રિકવરી કરાઈ હતી. આવી જ રીતે ઈસ્ટ ઝોનમાં 9 મિલ્કતો સીલ કરીને રૂ. 6.39 લાખની રિકવરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયાં હતા.
રાજકોટ શહેરના વોર્ડ-1માં છોટુનગર વિસ્તારમાં બે કોમર્શીયલ મિલ્કતને સીલ કરાઈ હતી. વોર્ડ-4માં કોમર્શીયલ મિલ્કત સીલ કરવામાં આવી હતી. આમ મનપા દ્વારા તમામ વોર્ડમાં સીલીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવતા મિલ્કત વેરો બાકી ધરાવતા મિલ્કત માલિકોમાં ફફડાટ ફેલાયો છે.