અમદાવાદમાં કોર્પોરેટરો હવે તેના બજેટમાંથી સોસાયટીઓમાં બાકડાં માટેનો ખર્ચ કરી શકશે નહીં
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરોને તેમના વિસ્તારમાં વિકાસ કામ કરવા માટે દર વર્ષે 30 લાખનું બજેટ ફાળવવામાં આવે છે. કોર્પોરેટરો દ્વારા તેમના વિકાસના કામ માટે આ બજેટમાંથી ખર્ચ કરતા હોય છે પરંતુ ચાલુ વર્ષ 2021-22ના કોર્પોરેટરોના બજેટમાંથી બાંકડાંઓ પાછળ કરવામાં આવતા ખર્ચને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે બાકાત રાખ્યો છે. કોર્પોરેટરોના બજેટમાંથી બાંકડા પાછળ ચાલુ વર્ષે કોર્પોરેશન એકપણ રૂપિયો ફાળવશે નહિ. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટનસ જળવાય તેને ધ્યાનમાં રાખીને મ્યુનિ,કમિશનરે આ નિર્ણય લીધો છે.
અમદાવાદ શહેરમાં વિકાસના કામો માટે દર વર્ષે કોર્પોરેટરોને રૂ.30 લાખના બજેટની ફાળવણી કરવામાં આવે છે. કોર્પોરેટરો પોતાના વોર્ડમાં આવેલી સોસાયટી અને ફ્લેટસમાં પોતાના નામ લખાવી લોકોને બેસવા માટે બાંકડા પાછળ 5થી 6 લાખ રૂપિયાની ફાળવણી કરતાં હોય છે. ચાલુ વર્ષ 2021-22માં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસકપક્ષ નેતા, દંડક, કોર્પોરેટર, વિવિધ કમિટિના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના બજેટમાંથી બાંકડાઓના કામને મંજુર ન કરવા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે જણાવ્યું છે.
કોરોનામાં સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે આ મામલે કોર્પોરેશનના નાણાં ખાતાના બજેટ વિભાગને પરિપત્ર કરી જાણ કરી છે. સોસાયટીઓ અને વિસ્તારમાં ગટર, પાણી, ડ્રેનેજલાઈન, સોસાયટીઓના બોર્ડ, સ્ટ્રીટલાઈટ, આરોગ્ય, આંગણવાડી, ટ્રી ગાર્ડ સ્વચ્છતા, પેવર બ્લોક, ઈજનેર જેવા કુલ 20થી કામો પાછળ બજેટના પૈસા વાપરવામાં આવે છે જોકે આ વર્ષે બાંકડાઓ સોસાયટીઓમાં મુકવામાં આવશે નહિ. 10 ટકાથી વધુ નાણા બાંકડા પાછળ ખર્ચવા નહીં તેવો મ્યુનિ.પરિપત્ર હોવા છતાંય કેટલાક કોર્પોરેટરો તેનું પાલન કરતા ન હતા. બાકડાઓ પર નામ લખાતું હોવાથી સ્વયં પ્રસિદ્ધી થતી હોવાથી ખર્ચ કરતા હતા પરંતુ હવે આ ખર્ચ કરી નહિ શકે.