Site icon Revoi.in

લો બોલો, રાજસ્થાનમાં ભ્રષ્ટ અધિકારીએ એસીબીથી બચવા માટે લાખોની રોકડ રકમ સળગાવી

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશમાં ભ્રષ્ટાચારને નાથવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજસ્થાના પાલીમાં એક લાંચિયા અધિકારીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીથી બચવા માટે કરેલી હરકતમાં ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. લાંચિયા અધિકારીએ પોતાની ધરપકડ ટાળવા માટે લાખોની રોકડ સળગાવી હતી. એસીબીએ અધિકારીના ઘરે છાપો માર્યો ત્યારે તેણે ઘર બંધ કરીને રોકડ રકમ સળગાવી હતી. લાંચિયા અધિકારીએ પત્ની સાથે મળીને રૂ. 20 લાખની રોકડ રકમ સળગાવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના પાલી સ્થિત પિંડવાડાના મામલતદાર કલ્પેશ જૈન વિરુધ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરીયાદ મળી હતી. જેના આધારે એસીબીએ મામલતદાર કલ્પેશ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડાની જાણ થતા લાંચિયા મામલતદારે ઘરના દરવાજા બંધ કરીને અધિકારીઓને પ્રવેશતા અટકાવ્યાં હતા. તેમજ પત્ની સાથે મળીને ગેસના સ્ટવ ઉપર રૂ. 500ના દરની નોટોના બંડલ એક પછી એક સળગાવ્યાં હતા. બીજી તરફ પોલીસે કટરની મદદથી મકાનનો દરવાજો તોડ્યો હતો. તેમજ ઘરમાં પ્રવેશીને સર્ચ કર્યું હતું. મામલતદારના ઘરમાંથી વાંધાજનક દસ્તાવેજ, સંપતિના દસ્તાવેજો તથા બેંકની વિગતો મળી આવી હતી. મામલતદાર સામે ભ્રષ્ટાચાર નિવારણની વિવિઘ કલમ હેઠળ ગુન્હા દાખલ કર્યા છે. તો પોલીસે સરકારી કામગીરીમાં દખલ કરવા અંગે ગુન્હો નોંધ્યો છે.

રેવન્યુ ઈન્સ્પેકટરને એક લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ રંગે હાથે ઝડપ્યો હતો. જેની પુછપરછમાં ભ્રષ્ટાચારના તાર, મામલતદાર સુધી પહોચ્યા હતા. જેના આધારે એન્ટી કરપ્શન બ્યુરો અને પોલીસે સંયુક્ત રીતે ભ્રષ્ટ મામલતદારને ત્યાં દરોડા પાડ્યા હતા.