અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચારઃ CBIએ દાખલ કરી નવી FIR, 42 સ્થળો ઉપર દરોડા
લખનૌઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવરફ્રન્ટમાં કથિત ગોટાળામાં સીબીઆઈએ નવી એફઆઈઆર દાખલ કરી છે. તેમજ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં કુલ 42 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈના દરોડાની કાર્યવાહીને પગલે આ પ્રકરણમાં સંડોવાયેલા મનતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
- ગોમતી રિવરફ્રન્ટ ગોટાળામાં કુલ 189 આરોપી
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના કાર્યકાળમાં ગોમતી નદી પરિયોજનામાં કથિત અનિયમિતતાઓની તપાસ માટે સીબીઆઈની આ બીજી એફઆઈઆર છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 189 આરોપી બનાવવામાં આવ્યાં છે. રાજ્યના લખનૌ, અલાવા, નોઈડા, ગાઝિયાબાદ, બુલંદશહર, રાયબરેલી, સીતાપુર, ઇટાવા અને આગરામાં સીબીઆઈએ દરોડા પાડ્યાં છે.
સમાજવાદી પાર્ટીના શાસનમાં લખનૌમાં ગોમતી નદીના તટ પર બનનારા રિવરફ્રન્ટને અખિલેશ યાદવનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ શરૂ થતાની સાથે જ તેમાં ગોટાળાના આક્ષેપ થઈ રહ્યાં હતા. ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આવતાની સાથે જ પ્રારંભિક તપાસ બાદ આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. હવે સીબીઆઈ આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા લોકો સામે કાનૂની કાળિયો કસી રહી છે.
- પ્રોજેક્ટ માટે રૂ. 1513 કરોડ કરાયા હતા મંજૂર
ગોમતી રિવરફ્રન્ટ માટે સમાજવાદી પાર્ટી સરકારે જે તે સમયે રૂ. 1513 કરોડ મંજૂર કર્યાં હતા. જો કે, આરોપ છે કે, રૂ. 1437 કરોડ ચુકવવામાં આવ્યાં છતા માત્ર 60 ટકા જ કામ થયું છે. રિવરફ્રન્ટની કામગીરી કરતી સંસ્થાઓએ 95 ટકા બજેટ ખર્ચ કરીને પુરુ કામ કર્યું નથી.