દિલ્હીઃ ગાઝિયાબાદમાં સ્મશાનગૃહથી છત ધરાશાયી થવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં ભ્રષ્ટાચારના તાણાવાણા સામે આવ્યાં છે. નગરપાલિકાના ઈન્ચાર્જ ઓફિસર તથા અન્ય અધિકારીઓએ રૂ. 16 લાખની લાંચ લઈને સ્મશાન ગૃહમાં બાંધકામની મંજૂરી આપવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ પ્રકરણમાં ઝડપાયેલા કોન્ટ્રાક્ટર અજય ત્યાગીની પોલીસે કરેલી પૂછપરછમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ટેન્ડર પ્રક્રિયામાં જ 28થી 30 ટકા કમીશન આપ્યું હોવાની કબુલાત કરી હતી. પોલીસે અજય ત્યાગી અને તેના ભાગીદાર સંજય ગર્ગની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્મશાનગૃહમાં એક ઈમારતની છત ધરાશાયી થતા અંતિમ સંસ્કાર માટે આવેલા 24 લોકોના મોત થયાં હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. આ પ્રકરણમાં પોલીસે પાલિકાના ઈન્ચાર્જ ઓફિસર નિહારિકાસિંહ, જેઈ ચંદ્રપાલ, સુપરવાઈઝર આશીષ અને કોન્ટ્રાક્ટર અજય ત્યાગીની વિરોધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર પ્રકરણમાં નિહારિકાસિંહ, ચંદ્રપાલ અને આશીષની ધરપકડ કરી હતી. તેમજ અજય ત્યાગી અને તેના ભાગીદાર સંજય ગર્ગને ઝડપી લઈને પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં હતા.
અજય ત્યાગીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2020માં ઓનલાઈન ટેન્ડર પ્રકિયા હેઠળ સ્મશાનગૃહના બ્યુટીફિકેશન માટે ટેન્ડર ભર્યું હતું. આ કોન્ટ્રાક્ટર રૂ. 55 લાખમાં લેવામાં આવ્યો હતો. જેમાંથી માર્ચમાં 26 લાખ અને જુલાઈમાં 16 લાખની રકમ મળી હતી. કોન્ટ્રાક્ટના અવેજમાં જેઈના કહેવા ઉપર નિહારિકાસિંહની ઓફિસ રૂ. 16 લાખની લાંચ મોકલાવી હતી. અધિકારીઓને 28થી 20 ટકા કમિશન એડવાન્સ આપવુ પડે છે. નિર્માણ માટે લિંટર અને ડિઝાઈનની જરૂર ન હતી. જો કે, કોરિડોરના નામે ભ્રષ્ટાચારનો ખેલ ખેલાયો હતો. સરકારી ઘનમાં ભ્રષ્ટાચાર માટે મોટુ બજેટ બનાવવામાં આવ્યું હતું. ત્યારીને નિર્માણમાં જરૂરીયાત પ્રમાણેની સમગ્રીનો ઉપયોગ નહીં કર્યો હોવાની કબુલાત પણ કરી હતી.
પોલીસ તપાસમાં અજય ત્યાગીની પૂછપરછમાં ભ્રષ્ટાચારનો ભેદ ઉલતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. ભ્રષ્ટાચારના રેકેટમાં અન્ય અધિકારીઓ-કર્મચારીઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા છે.