રાજકોટઃ ગુજરાતમાં આ વખતે ચોમાસુ લાંબુ ચાલ્યુ છે. અને નવરાત્રી બાદ પણ વરસાદના છૂટા-છવાયા ઝાપટાં પડી રહ્યા છે. ખેડૂતો હાલ ખરીફ સીઝનનો પાક માર્કેટ યાર્ડમાં વેચવા જવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે જ વરસાદ પડતા ખૂલ્લામાં પડેલો પાક પલળી જવાની દહેશત ઊભી થઈ છે. દરમિયાન જસદણમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જોત જોતામાં જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી જસદણ માર્કેટ યાર્ડ થોડીવારમાં પાણી પાણી થઈ ગયું હતું અને કપાસ-મગફળીનો ખુલ્લામાં પડેલો પાક પલળી જતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોએ ચાલુ વરસાદમાં કપાસની ગાંસડીઓ માથા પર ઉંચકી શેડ નીચે મૂકવા લાગ્યા હતા. પરંતુ ભારે પવનને કારણે ખેડૂતો પોતાનો મોટાભાગનો મગફળી અને કપાસનો પાક બચાવવામાં અસમર્થ રહ્યા હતા. તૈયાર પાક પર મેઘરાજાએ પાણી ફેરવી દેતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છિનવાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ જસદણ માર્કેટિંગ યાર્ડમાં પૂરતા શેડની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને ખુલ્લામાં પોતાનો મગફળી, કઠોળ, કપાસ સહિતનો પાક રાખવા મજબૂર બનવુ પડે છે. સોમવારે બપોર બાદ વરસાદના ભારે ઝાપટાં પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને પોતાની નજર સામે પાક પલળતો જોઈ દુખી થયા હતા. માર્કેટ યાર્ડના મેદાનમાં પડેલો પાક પલળતો બચાવવા ખેડુતો દોડ્યા હતા પરંતુ ભારે પવનને કારણે મોટાભાગનો પાક બચાવવામાં સફળ રહ્યા નહોતા. જસદણ સિવાય લીલાપુર ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. તેમજ આસપાસના ગામોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.
જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ લઈને આવેલા એક ખેડૂતે જણાવ્યું હતું કે, હું કપાસ લઈને આવ્યો છું. પણ વરસાદને કારણે મારો બધો કપાસ પલળી ગયો છે. 20 મણ જેવો કપાસ લઈને આવ્યો હતો જે પલળી ગયો છે. બીજા એક ખેડૂતે જણાવ્યું હતું કે, વરસાદથી પાક પલળતા બધુ બગડી ગયું છે. હરાજી થાય એ પહેલા જ વરસાદ વરસ્યો હતો. માર્કેટ યાર્ડ તરફથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.