- રાજ્યમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
- તમાકુના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો
- તેલિબીયાનું વાવેતર વધ્યું
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ બેસતાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીની શરૂઆત કરી છે. ત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 9 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં ચાલુ વર્ષે ખેડ઼ૂતોએ અત્યાર સુધી સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર કર્યો છે. જ્યારે ગુવાર અને તમાકુના વાવેતર ઘટડો થયો હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં તેલિબિયાના વાવેતરમાં પણ વધારો થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 99,382 હેક્ટરમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે. ઉપરાંત 94518 હેક્ટરમાં મગફળી, 10 હેકટરમાં તમાકુ, 44 હેકટરમાં ધાન્ય પાકો, 652 હેક્ટરમાં કઠોળ, 1.22 લાખ હેકટરમાં ગવાર, શાકભાજી, ઘાસચારો અને તમાકુનું વાવેતર થયું છે. આવી જ રીતે 95144 હેકટરમાં તેલિબીયાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. ગયા વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં તમાકુનું ખુબ ઓછુ વાવેતર થયું છે. ગયા વર્ષ 611 હેકટરમાં તમાકુનું વાવેતર થયું હતું. ખાદ્યતેલના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે ખેડૂતો તેલિબીયાના વાવેતર તરફ વળ્યાં છે. જેથી તેલિબીયાના વાવેતરમાં વધારો થયાનું મનાઈ રહ્યું છે.
ગુજરાતમાં હાલ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે અને વાવણીમાં જોતરાયાં છે. આ વર્ષે સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી વાવેતર પણ વધવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે. ચાલુ વર્ષે ચોમાસુ પાક સારી થવાની સરકારને પણ આશા છે.