ખરીફ સીઝનમાં મગફળી કરતા કપાસનું વધુ વાવેતર થવાની શક્યતાઃ મગફળીનું વાવેતર સ્થિર રહેવાનો અંદાજ
રાજકોટ : ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેડુતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે પ્રથમ વાવણીલાયક વરસાદ પછી વેગ આવશે પણ અત્યારથી કઇ જણસનું વાવેતર વધશે તેની અટકળો મંડાવા લાગી છે. મગફળી અને કપાસ ગુજરાતના મુખ્ય પાકો છે એટલે એના પર સૌની નજર હોય છે. આ વર્ષે પણ બન્ને પાકો વચ્ચે કશ્મકશભરી સ્થિતિ રહેવાની સંભાવના છે. છતાં કપાસનો ભાવ અત્યારે રૂા.1500ની સપાટી વટાવી ગયો હોવાથી હવે વિસ્તાર 10 ટકા વધી જાય એવું કૃષિ નિષ્ણાતો કહી રહ્યા છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ 2020ની ખરીફ સીઝનમાં ગુજરાતમાં મગફળીનું વાવેતર 20.65 લાખ હેક્ટરમાં થયું હતું. જ્યારે કપાસનો વિસ્તાર 22.79 લાખ હેક્ટર રહ્યો હતો. મગફળીનો એક મણનો ભાવ સરેરાશ રૂા.1000-1200 અને કપાસનો ભાવ રૂા.1150-1450 સુધી ચાલે છે. બન્ને ચીજોમાં તેજી રહી એટલે ખેડૂતોને એક્કેય પાકના ભાવ પ્રત્યે અણગમો નથી. પણ કપાસના ભાવ વધુ મળતા હોવાથી કપાસનું વાવેતર થોડું વધે તેવી શક્યતા છે. અમુક વિસ્તારોમાં કપાસનું વાવેતર ગયા વર્ષે જે ખેડૂતોએ નહોતું કર્યું તે એ તરફ વળશે.
મગફળીમાં વધુ વરસાદને લીધે ઉત્પાદન ન મળ્યું તે આ તરફ વળી શકે છે. જોકે કપાસમાં રોગ-જીવાત કે ઓછાં ઉત્પાદનને લીધે નિરાશ થયા હોય તે મગફળીનું વાવેતર કરી શકે છે. સરવાળે બન્ને પાકોમાં 10 ટકા કરતા વધારે વધઘટ દેખાય એવી શક્યતા હાલ લાગતી નથી. છતાં વરસાદ કેવો પડે છે તે મહત્ત્વનું બનશે. વરસાદ વહેલો થઇ જાય તો ખેડૂતો મગફળીમાં મશગૂલ થઇ જશે, થોડો મોડો થાય તો કપાસ વાવશે. મગફળીના અભ્યાસુ અને દાણાની નિકાસ સાથે સંકળાયેલા બ્રોકરના કહેવા મુજબ મગફળીનું વાવેતર પાછલા વર્ષના મથાળે સ્થિર રહેવાની ગણતરી છે. બન્ને ચીજોના ભાવ સારાં છે એટલે મગફળીનો ખેડૂત જળવાઇ શકે છે. બિયારણ માટે મગફળીની માગ અત્યારે નહીંવત છે. ખેડૂતોએ સ્ટોકમાંથી જ બિયારણ માટેનો જથ્થો તારવી લેતા હવે 20-25 ટકા ખેડૂતો જ ખરીદીમાં બાકી રહ્યા છે.
કપાસના વિસ્તારમાં 10થી 12 ટકાનો વધારો થવાની શક્યતા છે. મગફળી તરફ ગયા વર્ષે વળેલા અને મરચીના પાકમાં ગયેલા ખેડૂતો ફરી કપાસમાં વાવે એવી શક્યતા છે. હાલની સ્થિતિ કપાસનું વાવેતર વધારનારી છે. કારણકે અત્યારે કપાસનો ભાવ પણ રૂા.1500 નજીક પહોંચી ગયો છે. ભાવ મથાળું કપાસ તરફ ખેડૂતને આકર્ષનારું છે.