રાજકોટમાં બોર્ડની પરીક્ષાનો ડર દુર કરવા સૌરાષ્ટ્ર યુનિના સાયકોલોજી વિભાગ દ્વારા કાઉન્સેલિંગ કરાશે
રાજકોટઃ ગુજરાતમાં આગામી માર્ચ-એપ્રિલ દરમિયાન લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓ લાગી ગયા છે. પરીક્ષાને આડે હવે અંદાજે 50 દિવસ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ડર જોવા મળી રહ્યો છે, કેટલાક વાલીઓ પણ ચિંતિત છે ત્યારે ગુજરાતમાં પહેલી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના નિષ્ણાતો બોર્ડના વિદ્યાર્થીઓમાં રહેલો ડર, હતાશા, નિરાશા દૂર કરવા શાળાઓમાં, ઘેર-ઘેર જઈને પણ બાળકોનું કાઉન્સેલિંગ કરશે, તેમને સમજાવશે. કોઈ વિદ્યાર્થીને માનસિક સમસ્યા વધુ હશે તો તેનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાઇકોલોજીના એક્સપર્ટ શાળાઓમાં સેશન લેશે અને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ડર્યા વિના અને આત્મવિશ્વાસથી આપી શકે તેવા પ્રયત્નો કરાશે.વર્તમાન સમયમાં બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે આ વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ ઘટાડીને આત્મવિશ્વાસ વધારવા મનોવૈજ્ઞાનિક નિષ્ણાતો રાજકોટની જુદી-જુદી શાળાઓમાં જઈને સેશન લેવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન આત્મવિશ્વાસથી કેમ પરીક્ષા આપી શકાય તે સહિતના જુદા-જુદા મુદ્દાઓને લઇને માર્ગદર્શન અપાશે. વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી કોઈપણ શાળા તેના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ભય કે તણાવ દૂર કરવા કોઈ લેક્ચર કે સેશન રાખવા ઇચ્છતા હોય તો મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે ચિંતા, મનોભાર, ડિપ્રેસન જેવી અનેક મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને આ બધી સમસ્યાઓ પરીક્ષા સબંધિત છે. પરીક્ષા સમયે વાચેલું યાદ ન રહેવું, કાઈ આવડતું નથી એવો ભાવ, વાંચનમાં મન ન લાગવું, ફેમિલી પ્રેસર, અભ્યાસ છોડી દેવાનું મન થવું, જીવન ટૂંકાવી નાખવાના વિચારો, પોતાની સમસ્યાઓની અન્યો પાસે અભિવ્યક્ત કરવામાં ખામી, અસફળતાનો ભય, પેપર પૂરું થશે નહિ જેવી અનેક સમસ્યાઓ કેટલાક વિદ્યાર્થીઓ અનુભવતો હોય છે. આથી સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ પોતાની આ સમસ્યાઓને પહોંચી વળે તે માટે અનેક મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ સમજવા અને તેમાંથી કઈ રીતે બહાર આવી શકાય તે માટે એક ઝૂબેશ ઉપાડવામાં આવી છે. જેમાં અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓમાં યાદશક્તિ વધારવા, આત્મવિશ્વાસ વધારવા, કેથાર્સિસ કરવા, પરીક્ષા દબાણને ઓછું કરવા માતા-પિતાને અવેર કરવા, માતા-પિતા તરફથી મળતા પ્રેસરને ઓછું કરવા જેવા અનેક વિષયો પર પોતાના વ્યાખ્યાનો આપી વિદ્યાર્થીની સમસ્યાઓને દૂર કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને રીલેક્સ કરવા રીલેક્શેસન ટેક્નિકો, ઓટોસજેશન, કેથાર્સીસ જેવી મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામા આવશે.