- આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી
- સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન
- 250થી વધુ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ લીધો લાભ
સુરત: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમનાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા હીરાબાગ ખાતે આવેલા પી.પી. સવાણી વિદ્યાભવનમાં યોગાભ્યાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેનો લાભ 250થી વધુ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ લીધો હતો.
ભારતે વિશ્વને યોગ જેવી સમૃદ્ધ ભેટ આપી છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન પરંપરાને યોગ થકી દુનિયાભરમાં સ્વીકૃતિ મળી છે. ત્યારે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમો શરુ થઈ ગયા છે. જેમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા પી.પી. સવાણી વિદ્યાભવન ખાતે આજે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુ હેમલ પ્રજાપતિએ ઉપસ્થિત વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને આં. રા.યોગ દિવસના નિયમ પ્રમાણે સામાન્ય યોગ અભ્યાસ કરાવ્યો હતો. બાળકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં વિવિધ આસનો તેમજ પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે વિદ્યાભવનના આચાર્ય શ્રી સંજયભાઈ ગોહેલે યોગના વિવિધ લાભ અને વિદ્યાર્થીઓને તેનાથી થતા ફાયદાઓ સમજાવ્યા હતા. કાર્યક્રમના અંતે સહભાગી વિદ્યાર્થીઓને કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાભવનનાં ચેરમેન વલ્લભભાઈ સવાણી, હર્ષદભાઈ રાજ્યગુરુ, સુપરવાઈઝર જમનભાઈ ભાખર, કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.